શહેરમાં રામનાથપરામાં ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અને તેની પત્નીને આંતરી ભાઇ અને ભત્રીજા સહિત 9 શખ્સે તલવાર, છરી, ધોકા વડે હુમલો કર્યો હતો. મકાનમાં દારૂની મહેફિલ કરવા બાબતે ભત્રીજાને ઠપકો આપતા હુમલો કર્યો હોય જે અંગે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રામનાથપરા પાસેના નવયુગપરામાં રહેતા અને હજ માટે ટૂર એન્ડ ટ્રાવેલ્સનું તેમજ કલર કામ કરતા ગુલામ કાદરખાન મજિદખાન યુસુફી (ઉ.વ.48) અને તેના પત્ની સ્કૂટરમાં બેસીને જતા હતા ત્યારે રામનાથપરા પોલીસ લાઇનના ગેટ પાસે આંતરી તેનો ભાઇ નજીરખાન મજિદખાન યુસુફી, ભત્રીજો નોહીન, નજીર તેમજ ભત્રીજા વહુ નુરજહા નજીર, તેની પુત્રી અફસાના, રોશન નોહીન તેમજ ત્રણ અજાણ્યા શખ્સએ તલવાર, છરી, ધોકા વડે હુમલો કર્યો હતો.
બનાવને પગલે હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા એ-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ મહંત સહિતના સ્ટાફે તપાસ કરી હતી. જ્યારે પોલીસની તપાસમાં ગુલામ કાદરખાનના મકાનમાં ભત્રીજો નોહીન દારૂની મહેફિલ માણતો હોય જે અંગેનો ઠપકો આપ્યો હતો. જ બાબતનો ખાર હુમલો કર્યો હોવાનું પરિવારે જણાવતા પોલીસે આઠ શખ્સ સામે ગુનો નોંધી અને વધુ કાર્યવાહી કરી છે.