રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનાના નામે કૌભાંડ થતું હોવાનો આરોપ 20થી વધુ કરાટે કોચ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ યોજના હેઠળ રાજયમાં એક સ્કૂલ દીઠ તાલિમ આપનારને રૂ. 15,000 અપાય છે. જેમાં અમુક સ્કૂલોમાં લાયકાત વિનાના લોકો 36 દિવસને બદલે એક સ્કૂલમાં માત્ર 1 કે 5 દિવસ તાલીમ આપી ફોટા પાડીને સરકારમાં મોકલે છે. રાજકોટ શહેર જિલ્લાનો કોન્ટ્રાક્ટ રણજીત ચૌહાણ પાસે હોય તે કૌભાંડ આચરતા હોવાનો પણ આરોપ લાગવાયો છે. એટલું જ નહીં શહેર અને જિલ્લાની 600થી વધુ સ્કૂલમાં ટ્રેનિંગ નામે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સમગ્ર મામલે કરાટે કોચ એસોસિએશન દ્વારા કાનૂની લડતના મંડાણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
કરાટે કોચ જીતેન્દ્ર મારુંનાં જણાવ્યા મુજબ, ગુજરાત સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજના હેઠળ બહેનોને કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે. આ યોજનાનો હેતુ છે કે, દીકરીઓ પોતાનું રક્ષણ કરવા માટે સક્ષમ બની શકે. આ રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ રાજ્ય સરકાર દર વર્ષે રૂ. 20થી 22 કરોડની ગ્રાન્ટ ખર્ચે છે. જોકે રાજકોટમાં માત્ર 10% તાલીમ અપાય છે. આ સિવાયની રકમ ખવાઈ જાય છે. જેણે ક્યારેય કરાટેની તાલીમ લીધી નથી તેને એક જ દિવસમાં બેલ્ટ તેમજ ઇન્ટ્રાક્ટર આઇડી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. 36 દિવસની તાલીમના બદલે માત્ર 1થી 5 દિવસની તાલીમ આપીને સરકારની ગ્રાન્ટ પડાવી લેવાય છે.