રાજ્યમાં આજે રવિવારના રોજ GPSC દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં રાજકોટ જિલ્લામાં 25 પરીક્ષા કેન્દ્ર પરથી 5,222 ઉમેદવારોની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોઈપણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે ફ્રીસ્કીંગ એટલે કે મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જોકે પરીક્ષા શરૂ થયાના બે કલાક પહેલા એન્ટ્રી શરૂ કરી દેવામાં આવતા ઉમેદવારો અકળાઈ ગયા હતા. રાજ્યના મુખ્ય જિલ્લા મથકેથી લેવામાં આવનાર આ પ્રિલિમ્સ એક્ઝામમાં નેગેટીવ માર્કિંગ રાખવામાં આવ્યું છે. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો આગામી સમયમાં મેઈન્સની એક્ઝામ આપશે.
સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બનવા માટેની પરીક્ષા આપતા ઉમેદવાર હિતેશસિંહ હેરમાએ જણાવ્યુ હતુ કે, હાલ હું કોન્સ્ટેબલ અને પીએસઆઇ બનવા માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છુે, જેની સાથે GPSCની આ રાજ્ય વેરા નિરીક્ષક બનવા માટેની પરીક્ષાનું પણ ફોર્મ ભર્યું હતું. આજે જસાણી સ્કૂલ ખાતે પરીક્ષા આપવા માટે આવ્યો છું. ફોર્મ કેટલા ભરાયા અને કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી એ મહત્વનું નથી, પરંતુ આપણે 1થી 50માં આવવું એ મહત્વનું છે. તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યું છું. પેપર કેવું નીકળશે તેના પર આધારિત છે કે મેરીટ ઊંચુ જશે કે નીચું?