ભાજપ સંગઠનને વધુ મજબૂત અને સર્વસ્વીકૃત બનાવવા માટે પ્રથમ વખત સંગઠનના મુખ્ય હોદ્દેદાર માટે ભાજપે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્યભરમાં શહેર અને જિલ્લા પ્રમુખ માટે તા.4 જાન્યુઆરીના ચૂંટણી પ્રક્રિયા થઇ હતી અને ત્રણ ચાર દિવસમાં નવા પ્રમુખની જાહેરાત કરી દેવાશે તેવી વાતો જાહેર કરાઇ હતી પરંતુ હજુ સુધી નવા સુકાનીની જાહેરાત થઇ નથી એટલું જ નહીં, આગામી તા.21 ફેબ્રુઆરી સુધી તો નામ જાહેર નહીં જ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
રાજ્યના તમામ શહેર જિલ્લાના પ્રમુખની જાહેરાત બાદ નવા પ્રમુખ પોતાની નવી ટીમ બનાવીને સંગઠનને મજબૂત કરશે, 8 જાન્યુઆરી સુધીમાં નવા સુકાનીની જાહેરાત કરી દેવામાં આવશે તેવું દ્દઢપણે કહેવાતું હતું, ગાંધીનગરની બેઠક બાદ દિલ્હીમાં પણ આ મુદ્દે ચર્ચા વિચારણા થઇ ગઇ પરંતુ પ્રમુખની યાદી જાહેર કરવામાં આવી નહોતી, ક્યા કારણોસર સત્તાવાર જાહેરાત અટકી છે તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ ભાજપના વિશ્વસનીય વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. તા.27 જાન્યુઆરીના ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે.
તા.1 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થશે, તા.16 ફેબ્રુઆરીના મતદાન અને તા.18 ફેબ્રુઆરીના મતગણતરી થશે અને તા.21 ફેબ્રુઆરીના ચૂંટણી પ્રક્રિયા વિધિવત રીતે પૂર્ણ થશે. જે શહેર જિલ્લામાં નવા પ્રમુખને મુકવામાં આવે અને ત્યાં ચૂંટણી હોય તો ચૂંટણીમાં તેની વિપરીત અસર પડી શકે તેવી સંભાવનાને ધ્યાને લઇ હાલ તુર્ત વર્તમાન હોદ્દેદારોના નેતૃત્વમાં જ સ્થાનિક ચૂંટણી લડવાનો નિર્ણય લેવાયો હોવાના સંકેતો મળ્યા હતા, એટલું જ નહીં, હાલમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પણ વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે.