રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 3.2 ડિગ્રી તાપમાન નલિયામાં

ગુજરાત રાજ્યમાં ફરી એક વખતે શિયાળો જામ્યો છે. રાજ્યભરના વિવિધ વિસ્તારમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં એકાએક ઘટાડો આવતા ગુજરાતવાસીઓ ખરો શિયાળો અનુભવી રહ્યા છે. હજુ પણ આગામી 24થી 36 કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે. ત્યારબાદ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તેનું મુખ્ય કારણ છે કે, આગામી બે દિવસમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાત પર રહેશે તેથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે, પરંતુ હાલમાં તો ગુજરાતીવાસીઓ ફુલગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં ગત ડિસેમ્બર માસમાં ઠંડીનો ચમકારો ખૂબ સારી રીતે અનુભવાયો હતો. ત્યારબાદ હવામાન વિભાગ અને વિવિધ હવામાન નિષ્ણાતોના મત મુજબ ડિસેમ્બર માસ કરતાં પણ જાન્યુઆરી માસમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. આ ઉપરાંત કોલ્ડવેવની પણ શક્યતાઓ છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં બરાબર શિયાળો જામ્યો હોય તેમ ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી 10થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. જેને કારણે ઠંડા પવનોથી વધુ માત્રામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *