રાજ્યમાં ડમી શાળાઓની તપાસ કરી બંધ કરાવવા માંગ

ગુજરાત રાજ્યમાં આવેલી ડમી શાળાઓની તપાસ કરી, આવી શાળાઓ બંધ કરવા અને આ શાળાઓ સામે ગુજરાતના શિક્ષણના વિશાળ હિતમાં જરૂરી કાર્યવાહી કરવા શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય ડૉ.પ્રિયવદન કોરાટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટેના કોચિંગ ક્લાસ ધોરણ 11થી જ શરૂ થાય છે.

માટે IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માગતાં વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કર્યા બાદ સીધા કોચિંગ ક્લાસમાં જ પ્રવેશ મેળવે છે અને આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા માટે તોતિંગ ફી ભરે છે. આવી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે, વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લીધા વગર પાસ કરી દેવામાં આવે છે. જિલ્લા મથકે આવી શાળાઓની તપાસ કરવા માટેના આદેશ થયા હતા, પરંતુ આ તપાસ યોગ્ય રીતે ન થતાં આજે પણ ડમી શાળાઓ ચાલી રહી છે. માટે સત્વરે જરૂરી કાર્યવાહી કરવા માગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *