રાજ્યના ફરી એક વખત કાળઝાળ ગરમી નાગરિકોને સહન કરવી પડશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં અનેક શહેરમાં ગરમીનું જોર વધી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હિટવેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તે માટે હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો પણ નોંધાઈ શકે છે. જોકે અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે નવી કોઈ સિસ્ટમ ન બનતા ગરમીનો પારો વધી શકે છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાએ હવે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કમોસમી વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ હવે ફરી એક વખત રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની છે. તેમજ અનેક શહેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી નાગરિકોને ફરી આકરો તાપ સહન કરવો પડશે.