રાજ્યના પોલીસ બેડામાં અત્યાર સુધીની સૌથી મોટી સામૂહિક બદલી કરવામાં આવી છે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 153 પોલીસ કોન્સ્ટેબલોની એકસાથે બદલીના આદેશ બહાર પાડવામાં આવ્યા છે. આ બદલી લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે રાહતરૂપ બની છે.
આ બદલી કર્મચારીઓની સ્વ-વિનંતી અને સિનિયોરિટી જતી કરવાની શરતે કરવામાં આવી હોવાનું જણાવાયું છે. અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલોને હવે નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવશે.
આ સમગ્ર બદલી પ્રક્રિયાના આદેશ અધિક પોલીસ મહાનિર્દેશક (વહીવટ) વિભાગના વડા ખુરશીદ અહેમદ દ્વારા આપવામાં આવ્યા છે. પોલીસ તંત્રમાં વહીવટી વ્યવસ્થા સુદૃઢ બને અને કર્મચારીઓની માંગણીઓને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના પોલીસ બેડામાં થયેલી આ મોટી સામૂહિક બદલીને કારણે આવનારા દિવસોમાં જિલ્લામાં પોલીસ વ્યવસ્થામાં નવી ગોઠવણી જોવા મળશે.