ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસો. દિલ્હી, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત અને રાજકોટ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ એક અનોખા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. શિક્ષણના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનાર ગુજરાતની 16000થી વધુ ખાનગી શાળાઓમાંથી પસંદગી પામેલા આશરે 200 જેટલા શ્રેષ્ઠ આચાર્યોને સન્માનિત કરવા માટેનો એક ભવ્ય સમારોહ આગામી 29 નવેમ્બર 2025ના રોજ રાજકોટના કાલાવડ રોડ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠ ખાતે યોજાશે. આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ પુરષોત્તમ રુપાલાને આમંત્રિત કરવામાં આવશે.
એવોર્ડ સમારોહનો મુખ્ય ઉદ્દેશ આ અંગે ગુજરાત મહામંડળના પ્રમુખ જતિનભાઇ ભરાડએ જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ આચાર્યોને એવોર્ડથી સન્માનિત કરવાનો મુખ્ય ઉદ્દેશ તેઓના ઉત્કૃષ્ટ કાર્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના અપાર યોગદાનની સરાહના કરવાનો છે. આ એવોર્ડ માત્ર એક સન્માન નથી, પરંતુ તે સમગ્ર શિક્ષણ ક્ષેત્રે પ્રેરણા અને ઉત્સાહ લાવવાનું કાર્ય કરશે. આચાર્યોનું કાર્ય માત્ર શિક્ષણ આપવાનું જ નથી, પરંતુ શાળાનું સુચારુ સંચાલન કરી શિક્ષકો-વિદ્યાર્થીઓ અને વાલીઓના દ્રષ્ટીકોણને સમજી સચોટ નિર્ણયો લઈને શિક્ષણ જગતના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જવાબદારીનું નિર્વાહન કરવાનું હોય છે. ટૂંકમાં, આચાર્ય શાળા અને સમાજ વચ્ચેનો એક મહત્વપૂર્ણ સેતુ છે અને તેમના આ યોગદાનને બિરદાવવું અત્યંત આવશ્યક છે.