હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. એ અનુસાર આગામી 48 કલાક માટે મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ ફોલિંગ ટેન્ડન્સીમાં રહેતાં દિવસ દરમિયાન ગરમીનો ઓછો અહેસાસ થાય એવી શક્યતા છે, પરંતુ આગામી સપ્તાહથી મહત્તમ તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી વધે એવી શક્યતા છે. ત્યારે ગુજરાતવાસીઓને ફરી એકવાર ગરમીનો માર સહન કરવો પડશે.
એપ્રિલ મહિનામાં વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, એને કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરતાં જણાવવામાં આવ્યું હતું કે આગામી 48 કલાક દરમિયાન, એટલે કે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. એમાં આજરોજ 12 એપ્રિલના દિવસે ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, વડોદરા, દીવ, દાદરા અને નગર-હવેલી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીમાં હળવા વરસાદની શક્યતા છે. 13 એપ્રિલના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, દાદરા અને નગર-હવેલી, ભાવનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે.