રાજ્ય પોલીસ દળમાં મહત્વની બઢતી પ્રક્રિયા અંતર્ગત વર્ગ-2ના PI (બિન હથિયારી)ની વર્ગ 1 DySP તરીકે બઢતી માટે પસંદગીયાદી તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન 119 PI અધિકારીઓની ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, વિજિલન્સ તપાસ તેમજ શિક્ષાની વિગતો મોકલવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે.
અધિકારીઓના શિસ્ત સંબંધિત પાસાઓનું સુક્ષ્મ મૂલ્યાંકન સરકારી સુત્રોના જણાવ્યા મુજબ બઢતી માટે યોગ્યતા નક્કી કરતી વખતે અધિકારીઓની સેવા નોંધ, વર્તણૂક અને શિસ્ત સંબંધિત પાસાઓનું સુક્ષ્મ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ કારણે સંભવિત બઢતી પાત્ર અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની ચાલુ કે પૂર્ણ થયેલી તપાસ, કેસ અથવા શિસ્તભંગની કાર્યવાહી અંગે સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
અધિકારી સામે તપાસ અથવા કેસ ચાલુ હોવાથી બઢતી અટકાવાશે વિભાગીય સૂત્રોનું કહેવું છે કે, તમામ જરૂરી વિગતો પ્રાપ્ત થયા બાદ જ પસંદગી સમિતિ દ્વારા અંતિમ પસંદગીયાદી તૈયાર કરવામાં આવશે. જો કોઈ અધિકારી સામે ગંભીર પ્રકારની તપાસ અથવા કેસ ચાલુ હોવાનું સામે આવશે તો તેની બઢતી અટકાવવામાં આવી શકે છે અથવા મામલો ક્લિયર થાય ત્યાં સુધી તેને પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવશે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ દળમાં DSP (બિન હથિયારી) પદે નવી નિમણૂકો થવાની શક્યતા છે. જેનાથી વહીવટી અને કાયદો-વ્યવસ્થાની કામગીરીને વધુ મજબૂતી મળશે.