શિક્ષણ બોર્ડ (GSEB) નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ને ધ્યાનમાં રાખીને વિવિધ કારણોસર શાળા છોડી જતા, અધૂરો અભ્યાસ છોડી મૂકતા, નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ન ઈચ્છતા વિદ્યાર્થીઓને ઘેરબેઠાં શિક્ષણ પૂરું પાડવા સરકારે ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ (GSOS)ની રચના કરી છે. જેના અનુસંધાને ગુજરાત બોર્ડે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં ધો.9-10, 11-12 માં રજિસ્ટ્રેશન માટે કોઈ ફી લેવાશે નહીં, અભ્યાસની તમામ સેવા નિ:શુલ્ક રહેશે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના દરેક તાલુકામાં જે-તે તાલુકામાં ચાલતી એક માધ્યમિક શાળાને GSOSના સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે અને આ સ્ટડી સેન્ટરની પસંદગીમાં મોડેલ સ્કૂલ, RMSA સ્કૂલ અને સરકારી શાળાને પ્રાધાન્ય આપવામાં આવશે.
બોર્ડે જાહેર કરેલા સર્ક્યુલરમાં જણાવાયું છે કે, GSOS મારફત ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને માર્કશીટ,પ્રમાણપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવશે. ઓપન સ્કૂલમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટેનું પ્રશ્નપત્ર પરિરૂપ અને વિષયનું માળખું શિક્ષણ બોર્ડના જે નિયમિત વિદ્યાર્થીઓ માટે અમલમાં હોય તે મુજબનું જ રહેશે. આ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થીઓની સાથે જ લેવામાં આવશે. ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થી હાજરી તૂટને કારણે બોર્ડની પરીક્ષા માટે આવેદન ન કરી શક્યા હોય અથવા શાળાએ આવેદન રદ કરાવ્યું હોય તેવા સંજોગોમાં પણ આવા વિદ્યાર્થીઓ GSOS મારફતે ધો.10 અને 12ની પરીક્ષા માટે આવેદન કરી શકશે. GSOSમાં રજિસ્ટ્રેશનની કોઈ ફી નહીં લેવાય પરંતુ બોર્ડની પરીક્ષા ફી જે નક્કી કરી હશે તે વિદ્યાર્થીએ ભરવાની રહેશે.