ગત 19 મેની રાત્રિએ ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના સિમર ગામે કથાકાર રાજુગિરિબાપુ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને કોળી અને ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કથાકારે પોતે કરેલા નિવેદન અંગે માફી માંગવા છતાં ઠેર-ઠેર કોળી અને ઠાકોર સમાજ દ્વારા કથાકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે રાજકોટનાં ત્રિકોણબાગ ખાતે પણ કોળી-ઠાકોર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રાજુગિરિ બાપુનું પૂતળુંદહન કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા પૂતળું કબજે કરી તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
રાજકોટનાં ત્રિકોણબાગ ખાતે આજે કોળી-ઠાકોર સમાજનાં આગેવાનો એકત્ર થયા હતા અને કથાકાર રાજુગિરિ બાપુનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનું પૂતળું બનાવી પાટા મારવામાં આવ્યા હતા અને બાદમાં કથાકારનું પૂતળુંદહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો દોડી ગયો હતો અને પૂતળું કબજે કરી લેવામાં આવ્યું હતું. તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તેવી રીતે વિરોધ કરતા કોળી-ઠાકોર સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.