રાજકોટ STને નવી 13 બસ મળી, હજુ122 જેટલી ઓવરએજ બસ દોડી રહી છે

એસ.ટી. નિગમ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી જુદા જુદા વિભાગોને નવી બસની ફાળવણી કરવામાં આવી રહી છે. રાજકોટ એસટી વિભાગને તાજેતરમાં સતત નવી બસ મળતાં મુસાફરોને સરળ અને આરામદાયક મુસાફરીનો લાભ મળી રહ્યો છે.

હાલમાં જ ચાલુ માસની શરૂઆતમાં રાજકોટ એસટી વિભાગને 13 નવી એસી બસની ફાળવણી સેન્ટ્રલ ઓફિસ દ્વારા કરવામાં આવી છે, પરંતુ બીજી બાજુ, રાજકોટ ડિવિઝનમાં હાલ કુલ આશરે 510 બસમાંથી 122 જેટલી બસો ઓવરએજ છે, એટલે કે આ બસ 8 લાખ કિલોમીટરનો માઇલેજ પૂરો કરી ચૂકી હોવા છતાં હજી પણ દોડાવવામાં આવી રહી છે.

મુસાફરોની સલામતી ધ્યાનમાં લેતાં આવી ઓવરએજ બસને તાત્કાલિક બદલી નાખવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે.

અગાઉ પણ તા.22 ઓગસ્ટના રોજ વધુ 8 નવી એસી બસ ફાળવવામાં આવી હતી. આમ અત્યાર સુધી રાજકોટ વિભાગને કુલ 20 નવી એસી બસ મળીને રૂટ પર દોડવા લાગી છે.

આગામી દિવસોમાં હજુ વધુ 10 નવી એસી બસની ફાળવણી થવાની શક્યતા છે. નવી એસી બસને રાજકોટથી દ્વારકા, ઉના, અંબાજી, સુરેન્દ્રનગર, પોરબંદર અને મહુવા જેવા લોકપ્રિય રૂટ પર દોડાવવામાં આવી રહી છે. આથી મુસાફરોને આરામદાયક અને સમયસરની મુસાફરી માટે સારા વિકલ્પો ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *