ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના રાજકોટ વિભાગ માટે વર્ષ 2025 આર્થિક રીતે અત્યંત ફળદાયી સાબિત થયું છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સંયુક્ત વિભાગે ગત વર્ષ દરમિયાન મુસાફરોની સેવામાં નવી ઊંચાઈઓ સર કરી છે.
રાજકોટ વિભાગના આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં એસટી બસે કુલ 7.39 કરોડ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
આ દરમિયાન 11.10 લાખ ટ્રિપનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ આખા વર્ષમાં 3.94 કરોડથી વધુ મુસાફરે એસટી બસ પર વિશ્વાસ મૂકીને મુસાફરી કરી હતી. સમગ્ર વર્ષ દરમિયાન આ વિભાગને કુલ રૂ.222.69 કરોડની આવક થઈ છે.
ટેક્નોલોજીના યુગમાં મુસાફરો હવે ઘેરબેઠાં ટિકિટ બુક કરવાનું પસંદ કરી રહ્યા છે. રાજકોટ વિભાગને એડવાન્સ અને ઓનલાઈન બુકિંગ થકી રૂ.48.84 કરોડની આવક થઈ છે. એસટી બસમાં 60 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગ કરવાની સુવિધાનો મુસાફરો બહોળો લાભ લઈ રહ્યા છે. રાજકોટ શહેર ઔદ્યોગિક નગરી છે ત્યારે એસટી નિગમ દ્વારા મુસાફર પાસ સેવા કાર્યરત છે. જેમાં મુસાફરો 18 દિવસનું ભાડું ભરી 30 દિવસ મુસાફરી કરી શકે છે.