લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરાયો. બાદમાં ગુજરાત સરકારે વીજ વિભાગ દ્વારા ગ્રાહકો પર લાદવામાં આવતાં ફ્યુઅલ ચાર્જમાં 50 પૈસાના ઘટાડાનો લાભ આપ્યો. જોકે આ લાભ સામે રાજકોટ PGVCL દ્વારા ગ્રાહકોને લોડ વધારાના નામે નોટિસો ફટકારી બીલ વધારાનો ડામ આપવામાં આવ્યો છે. રાજકોટ PGVCLના 12 સબ ડિવિઝન પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં લોડ વધારાની નોટિસો અપાયા બાદ લોડ વધારતા 59.31 લાખ ગ્રાહકોના બીલમાં 1,400 કરોડથી વધુનો વધારો થયાનું ખૂલ્યું છે. જેથી કહી શકાય કે PGVCL વીજ લોડ વધારાના નામે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યું છે.
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા વીજ કંપનીના ફ્યુઅલ ચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરી ગ્રાહકોને વાર્ષિક 1,300 કરોડથી પણ વધારાની રાહત આપતી જાહેરાત કરી છે, પરંતુ આ રાહતના બદલામાં છેલ્લા 6 મહિનામાં PGVCL દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના લાખો ગ્રાહકો પાસેથી લોડ વધારાના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 6 મહિનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ યુનિટમાં કોઈ પણ વધારા વિના ગ્રાહકોને સીધા જ ડબલ બીલ મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ કકળાટની છાનભીન કરતા વીજ અધિકારીઓના ખેલના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. જો કે આ મામલે PGVCLના સત્તાવાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોડ વધારાની કોઈ માહિતી કોર્પોરેટ કચેરીમાં નથી. જે-તે સબ ડિવિઝનના મીટર રિડર જ્યારે રિડીંગ કરવા જાય છે તે પછી તેના આધારે જે-તે સબ ડિવિઝન દ્વારા ગ્રાહકોને નોટિસ ફટકારવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ કેટલા ગ્રાહકોને આવી નોટિસ આપવામાં આવી છે તેનો કોઈ ચોક્કસ આંકડો આપવામાં આવ્યો નથી.