રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એમ.એસ.એમ.ઈ.નું હબ છે.આમ છતાં ઉદ્યોગ કમિશનર અને ઈન્ડેક્સ બીની રિજનલ ઓફિસ નથી. જેને કારણે મહત્ત્વના પ્રોજેક્ટ અને ઔદ્યોગિક પ્રશ્નોની ચર્ચા કરવા માટે ઉદ્યોગકારોને ગાંધીનગર સુધી જવું પડે છે. આ ઉપરાંત આઈટી સેક્ટરમાં પણ સુવિધા નહિ હોવાને કારણે યુવાનોને અન્ય શહેરમાં સ્થળાંતર કરી રહ્યા છે.આ ઉપરાંત એરપોર્ટ, રેલવેની સુવિધા વધારવામાં આવે તેવી માગણી સૌરાષ્ટ્ર વ્યાપાર મહામંડળે કરી છે. તેમ સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યું છે. તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવાની પણ જરૂરિયાત હોવાનો સૂર મિટિંગમાં ઊભો થયો હતો.
વર્ષોથી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અનેક લઘુ ઉદ્યોગો આવેલા છે. રાજકોટના વિકાસમાં લઘુ ઉદ્યોગની ભૂમિકા મહત્ત્વની રહી છે. અનેક મુશ્કેલી, અગવડતાઓ વચ્ચે પણ સૌરાષ્ટ્રની ખંતીલી પ્રજાએ વિશ્વમાં પોતાની પ્રોડક્ટ પહોંચાડી છે. જેમાં ડીઝલ એન્જિન, એન્જિનિયરિંગ પાર્ટસ, ટેક્સટાઈલ અને સાડી ઉદ્યોગ, બ્રાસપાર્ટ,મશીન ટુલ્સ સહિત અનેક પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આ સિવાય જ્યારે કોરોનાનો સમયગાળો હતો ત્યારે પણ માસ્ક બનાવવાથી લઇને તેના મશીન, અને પીપીઈ કિટ પણ રાજકોટના ઉદ્યોગપતિઓએ બનાવી હતી અને વિશ્વભરમાં મોકલાવી હતી.