રાજકોટ સહિત રાજ્યના તમામ એફઆરસીના ઝોનના નવા સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. રાજકોટ ઝોનમાં સૌરાષ્ટ્રની આશરે 5500થી વધુ શાળાઓનો સમાવેશ થાય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી સભ્યોની ખાલી જગ્યાને કારણે ફી નિર્ધારણ પ્રક્રિયા ઠપ થઇ ગઈ હતી, પરંતુ સરકારે સોમવારે રાજકોટ એફઆરસી ઝોનના 5 સભ્યની નિયુક્તિ કરી છે. જેમાં કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી પી.જે.અગ્રાવતની નિમણૂક કરી છે. શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે પ્રભુભાઈ કરશનભાઈ સિંધવ, શિક્ષણ શાસ્ત્રી તરીકે મુકુંદરાય ચંદુલાલ મહેતા, સિવિલ એન્જિનિયર તરીકે પ્રવીણભાઈ એલ.વસાનિયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હાર્દિક હર્ષદભાઈ વ્યાસની નિયુક્તિ કરવામાં આવી છે.
એક્ટની જોગવાઈ મુજબ દરેક ઝોનમાં ચેરમેન તરીકે નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ હોય છે. આ ઉપરાંત અન્ય ચાર સભ્ય હોય છે. આ એક્ટ હેઠળ રાજ્યમાં આવેલી ગુજરાત બોર્ડ, સીબીએસઈ તેમજ અન્ય તમામ બોર્ડની ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામાં આવે છે. એક્ટની જોગવાઈ મુજબ ફી મર્યાદાથી ઓછી ફી ધરાવતી સ્કૂલોએ એફિડેવિટ કરવાની હોય છે અને ફી મર્યાદાથી વધુ ફી માગનારી સ્કૂલોએ નાણાકીય હિસાબો-ખર્ચા અને અન્ય દસ્તાવેજ સાથે દરખાસ્ત કરવાની હોય છે. રાજકોટ FRC ઝોનમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાની શાળાઓનો સમાવેશ થાય છે. આશરે 5500 જેટલી શાળાઓની ફી રાજકોટ એફઆરસી ઝોન નક્કી કરે છે.