રાજકોટની AIIMS હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. મૂળ છત્તીસગઢની રહેવાસી આ છાત્રાએ આજે (5 જાન્યુઆરી) બપોરે પોતાની પીજી હોસ્ટેલમાં હતી ત્યારે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેની જાણ તબીબી છાત્રો સહિતનાને થતા તેને સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના તબીબીના કહેવા પ્રમાણે, આ છાત્રાએ કોઈ અંગતકારણોસર આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.
વિદ્યાર્થિનીને પીજી હોસ્ટેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો મળતી વિગતો મુજબ, મૂળ છત્તીસગઢની રહેવાસી અને હાલમાં રાજકોટ AIIMSમાં MBBSના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જામનગર રોડ ઉપરની પીજી હોસ્ટેલમાં રહે છે. અહીં તેણીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
વિદ્યાર્થિની ભાનમાં પણ આવી ગઈ છેઃ ડોક્ટર અહીં તેની ટ્રીટમેન્ટ કરતા તબીબે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થિનીએ પોતાના પર્સનલ કારણોથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે છત્તીસગઢની છે. જોકે, આ ઘટના બાદ તેની સાથે અભ્યાસ કરતા મિત્રો આવી ગયા છે. ઉપરાંત તેના પરિવારજનો પણ અહીં આવી રહ્યા છે. બપોરે 3.30 વાગ્યે બનેલી આ ઘટના બાદ હાલ આ વિદ્યાર્થિની ભાનમાં તો આવી ગઈ છે, પરંતુ હાલ તે આરામ કરી રહી હોવાથી કઈ બોલી રહી નથી. આ બનાવ અંગે પ્રદ્યુમન નગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.