રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 40 વર્ષથી ‘’અંધેર નગરી અને ગંડુ રાજા’’ જેવી સ્થિતિ હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મનપા દ્વારા દર વર્ષે વોર્ડવાઇઝ ચાર કોર્પોરેટરોને રૂ.80 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ અધિકારીઓના ઓછા જ્ઞાન કે અન્ય કારણોસર અત્યાર સુધી પાંચથી સાત કામો થઇ શકે તેવી જ જાણ હતી. આથી આ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સેક્રેટરી વિભાગ દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત, ભાવનગર, જામનગર સહિતની મહાનગરપાલિકામાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી થતા કામોની વિગતો મંગાવતા 71 જેટલા કામો થઇ શકે તેવી હકીકત જાણવા મળી હતી.
રાજકોટ મનપાના કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પાણી, ગટર, શેરી ગલીઓમાં ડામર રોડનું કામ, ટ્રાફિક નિયમન માટે ડિવાઇડર, સ્પીડ બ્રેકર, સ્વિમિંગ પુલ, હેલ્થ સ્ટેશન, લાઇબ્રેરી હસ્તકના કામો, બગીચાઓના કામો, ટયુબલાઇટ, પંખા, લાઇટના થાંભલાઓ, સોલાર લાઇટ,એલઇડી લાઇટ, રો હાઉસ, પેવર બ્લોક, ટ્રાફિક સર્કલ બનાવવા, શાળાઓમાં શૌચાલય, પાણી, કમ્પાઉન્ડ વોલ, વીજળીકરણ સહિતના કામો, શાળાઓમાં રમત-ગમતના સાધનો, ડસ્ટબીન મુકવા, મનપાની હોસ્પિટલમાં સાધનો મુકવા, બાંધકામના સાધનોની ખરીદી સહિતના કામોનો સમાવેશ થાય છે.