રાજકોટ શહેરનાં મુખ્ય રસ્તાઓ પર ગેરકાયદે દબાણો ખડકાયા હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી ઉઠી રહી હતી. જેને પગલે મ્યુ. કમિશનરનાં આદેશ બાદ આજે મનપાનાં દબાણ હટાવ વિભાગ દ્વારા આવા ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે નાયબ મ્યુ. કમિશનર સ્વપ્નિલ ખરે તેમજ ટ્રાફિક DCP પૂજા યાદવ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને તેમની દેખરેખમાં 4 રેંકડી-કેબીન, 45 બોર્ડ-બેનરો અને 167 પરચુરણ સામગ્રી સહિતનાં દબાણો શહેરનાં 150 ફૂટ રિંગરોડ પરથી હટાવાયા હતા.
મળતી માહિતી અનુસાર રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર અનધિકૃત કરાયેલા દબાણો દુર કરવા માટે વિવિધ ટીમ બનાવીને ઝુંબેશના રૂપમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 150 ફૂટ રીંગરોડ પર પટેલ કન્યા છાત્રાલય ચોક, ગોવર્ધન ચોક, ઉમિયા ચોક, તપોવન સ્કૂલ પાસે, કેકેવી ચોક, આઝાદ હિન્દ ગોલા પાસે, ઇન્દીરા સર્કલ પાસે વિગેરે વિસ્તારમાંથી કુલ 4 રેંકડી- કેબીન, 45 બોર્ડ-બેનરો તેમજ 167 પરચુરણ સામગ્રી દુર કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, પોલીસ શાખાના DCPટ્રાફિક પૂજા યાદવ અને એસીપી ટ્રાફિક ગઢવી પણ જોડાયા હતા.