રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં 1.62 કરોડની 120 કિલો ચાંદીની ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. નરોડાના મુખ્ય આરોપી મંગુસિંહ રાઠોડને ઝડપી પાડી તેની પાસેથી 40 કિલો ચાંદી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કાળા કલરની ક્રેટા કાર કબજે કરી મધ્યપ્રદેશ નાસી છૂટેલા આરોપી સહિત બે શખસોને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે.
રાજકોટના ચાંદી ચોરી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડામાં રહેતા મુખ્ય આરોપી મંગુસિંહ રાઠોડની મેંગો સિનેમા પાસેથી ધરપકડ કરી તેની પાસેથી 40 કિલો ચાંદી કબજે કરી છે. જેમાં 30 કિલો અસલ ચાંદીના દાગીના અને 10 કિલો ઓગાળેલી ચાંદી મળી આવી છે. આ ઉપરાંત આરોપીના નિવાસસ્થાનેથી દાગીના ઓગાળવા માટે વપરાતી ખાસ ભઠ્ઠી અને અન્ય સાધનો પણ મળી આવ્યા છે તે પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 31 કિલો ચાંદી તેમજ ચોરીમાં વપરાયેલી ક્રેટા કાર સાથે બોટાદના રાજુ ભોજક નામના શખસને સકંજામાં લઇ મુખ્ય આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી જેમાં તેને સફળતા મળી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મધ્યપ્રદેશથી વધુ એક આરોપીને સકંજામાં લેવામાં આવ્યો છે જેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.