પરિણીતાની હત્યા કરવાના આક્ષેપમાં સાસરીપક્ષના ચાર પુખ્ત ઉમરના અને એક સગીર આરોપી સામે વર્ષ 2001માં રાજકોટના જસદણ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી. જોકે, વર્ષ 2003માં રાજકોટ સેશન્સ કોર્ટે ચુકાદો આપતા આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. જેની સામે સરકારે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જોકે, હાઇકોર્ટે પણ રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય ઠેરવ્યો હતો.
દોરીથી ગળું દબાવી પરિણીતાની હત્યાનો આક્ષેપ કેસને વિગતે જોતા પરિણીતાના લગ્નને માત્ર 3 મહિના થયા હતા. જેમાં પરિણીતાને સાસરિયાના પતિ સહિત એક સગીરા માનસિક ત્રાસ આપતા હતા. તે દહેજ ના લાવી હોવાથી હેરાન કરતા હતા. આક્ષેપ મુજબ આરોપીઓએ ભેગા મળીને તેમના ફાર્મ ઉપર મૃતકને દોરીથી ગળું દાબી હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતક મહિલાના પગે નીડલથી કાણા પાડી સાંપ કરડ્યો હોવાથી મૃત્યુ થવાનું જણાવ્યું હતું. તેમજ ગળે દોરીથી પડેલા નિશાન છુપાવવા ઉપર રૂમાલ નાખી દીધો હતો.
પતિના બીજા લગ્ન કરવાની ધમકીઓ અપાતી હતી સરકારી વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, લગ્નના માત્ર ત્રણ મહિનામાં પરિણીતાનું મૃત્યુ નિપજ્યું હતું. તેનું ગળે ટૂંપો અપાતા મૃત્યુ નિપજ્યું હોવાનું મેડિકલ પુરાવામાં સામે આવ્યું છે. પરિણીતાના પિયરથી દહેજ ના મળતા તેના પતિના બીજા લગ્ન કરવાની ધમકીઓ તેને અપાતી હતી.
હાઇકોર્ટે રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો જોકે, કોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં સાક્ષીઓ ફરી ગયા છે. લગ્નના પ્રાથમિક તબક્કાની આ તકરારો હોવાનું સાહેદોનું કહેવું છે. સરપંચનું કહેવું હતું કે મહિલાએ આત્મહત્યા કરી છે. પ્રોસિક્યુશન હત્યાનો હેતુ સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. કેસ રિઝનેબલ ડાઉટ ઉપર સાબિત થઈ શક્યો નથી. જેથી હાઇકોર્ટે રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.