GSTના સુપ્રિટેન્ડેન્ટ જયપ્રકાશ સિંઘએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 29 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પરમાર એન્ટરપ્રાઈઝ નામની બનાવટી પેઢી ઉભી કરી તેના માલિક તરીકે વિશાલ પ્રવિણભાઈ પરમારે કોઈપણ પ્રકારના માલનું વેચાણ કર્યા વિના જુદા જુદા આરોપીઓને ઈ–વે બીલ મોકલેલા છે. આ બીલ મળતા આ તમામ આરોપીઓએ સાથે મળી GSTમાંથી ખોટી રીતે 61 લાખ રૂપિયાનુ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી રૂ.61 લાખની ઉચાપત કરેલી છે.
ફરિયાદ આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળેલું કે, આ તમામ લોકોએ ખરેખર કોઈ માલ વેચાણથી લીધેલો નથી અને ફક્ત ઈ–વે બીલ બનાવી સરકારમાંથી 61 લાખ રૂપિયાનું ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલું છે. આ ઉપરાંત માલ વેચનાર તરીકે મુખ્ય આરોપી પરમાર એન્ટરપ્રાઈઝે બનાવટી ભાડા કરાર બનાવી ખોટી રીતે GST રજીસ્ટ્રેશન મેળવેલું છે. 29 આરોપીઓમાંથી 12 આરોપીઓની ધરપકડ થતા તેઓએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજૂ કરી કેસ ફક્ત GST એક્ટ હેઠળ નોંધી શકાય તે પ્રકારનો છે, પરંતુ ફરિયાદી અધિકારીએ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાવેલ છે કારણ કે GSTના કાયદા મુજબ જેલની સજા ફક્ત 3 વર્ષની છે.