સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે. આ વખતે હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ચાલતી ગેરરીતિ અને કર્મચારીઓની બેજવાબદાર વર્તણૂકને કારણે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કથિત મનમાની અને વ્હાલા-દવલાની નીતિને પગલે આજે હોસ્પિટલ સંકુલમાં દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આરોપ લગાવ્યો કે, અહીં નિયમોનું પાલન કરવાને બદલે લાગતા-વળગતા અને ઓળખાણ ધરાવતા લોકોના કામ વહેલા કરી આપવામાં આવે છે, જ્યારે લાંબી કતારોમાં ઉભેલા સામાન્ય દર્દીઓને કલાકો રાહ જોવડાવવામાં આવે છે.
પ્રાપ્ત વિગતો મુજબ એક્સ-રે વિભાગની બહાર વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો લાગેલી હતી. લાઈનમાં ઉભેલા એક જાગૃત નાગરિકે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ બપોરે 12:00 વાગ્યાથી એક્સ-રે કઢાવવા માટે લાઈનમાં ઉભા છે તેમછતાં કલાકો વીતી જવા છતાં તેમનો વારો આવ્યો નથી. જ્યારે બીજી તરફ કર્મચારીઓ દ્વારા નિયમોને નેવે મૂકીને પાછળથી આવતા તેમના ઓળખીતા લોકોને સીધો પ્રવેશ આપીને એક્સ-રે કાઢી આપવામાં આવતા હોવાનું નજરે પડ્યું હતું. આ જોઈને લાઈનમાં ઉભેલા અન્ય દર્દીઓએ જ્યારે વિરોધ નોંધાવ્યો ત્યારે કર્મચારીઓએ નમ્રતાથી જવાબ આપવાને બદલે ઉદ્ધત વર્તન કરી દાદાગીરી કરી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.