રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોની હડતાળ સમેટાઇ

રાજકોટ સિવિલ હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં ન્યુરો સર્જન ડો.પાર્થ પંડ્યા પર થયેલા હુમલાના વિરોધમાં ચાલી રહેલી તબીબોની હડતાળ આખરે સમેટાઈ ગઈ છે. રવિવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં પોલીસ ફરિયાદ છતાં 3 દિવસ સુધી આરોપી ન પકડાતા જુનિયર ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઈ બુધવારે સાંજે 4 વાગ્યાથી આશરે 200 કરતા વધુ જુનિયર ડોક્ટરો ઇમરજન્સી સિવાયની તમામ સેવાનો ત્યાગ કરી હડતાળ પર ઉતરી ગયા હતા.

આ આંદોલનને કારણે હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી અને અનેક માઇનોર ઓપરેશન પાછા ઠેલવા પડ્યા હતા. જોકે, ગઈકાલે સાંજે પ્રદ્યુમન નગર પોલીસે મુખ્ય આરોપી જયદીપ ચાવડાની ધરપકડ કરતા મામલો થાળે પડ્યો હતો. જુનિયર ડોક્ટર એસોસિએશનના સેક્રેટરી ડો.પિન્ટુ ભુતએ જણાવ્યું હતું કે આરોપી પકડાઈ જતાં હડતાળ પાછી ખેંચવામાં આવી છે, તેમજ તમામ તબીબો પોતાની ફરજ પર પરત ફર્યા છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કલેક્ટર તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અગાઉના શનિવાર અને રવિવાર દરમિયાન યોજાયેલી ઝુંબેશમાં જિલ્લાના 8 વિધાનસભા મતવિસ્તારના 2512 મતદાન મથકો પરથી નવા નામ ઉમેરવા અને સુધારા-વધારા માટે કુલ 28,368 અરજીઓ પ્રાપ્ત થઈ છે. જિલ્લામાં અંદાજે 2.25 લાખ લોકોએ હજુ સુધી મેપિંગ કરાવ્યું ન હોવાથી તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, જેના પરિણામે અત્યાર સુધીમાં 30,392 મતદારોએ પુરાવા રજૂ કરી મેપિંગ પ્રક્રિયા પૂર્ણ કરી છે.

આ પ્રક્રિયામાં સૌથી વધુ 10,038 મતદારો રાજકોટ પશ્ચિમ વિસ્તારમાંથી અને સૌથી ઓછા મતદારો જસદણ બેઠક વિસ્તારમાંથી નોંધાયા છે. પ્રક્રિયાને વેગ આપવા માટે હવે આવતીકાલે તા. 4 અને 5 જાન્યુઆરીના રોજ ફરી એકવાર ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લાના તમામ 2512 બૂથ પર સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બી.એલ.ઓ. હાજર રહેશે. જે નાગરિકોને નામ નોંધણી, નામ કમી કરાવવા કે વિગતોમાં સુધારો કરાવવાનો બાકી હોય, તેઓ રૂબરૂ જઈને ફોર્મ જમા કરાવી આ તકનો લાભ લઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *