રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મગજના રોગની દવા ન હોવાનો આક્ષેપ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મગજની બિમારી ધરાવતાં આધેડ દર્દી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સુરેન્દ્રનગરના થાનના રહેવાસી 49 વર્ષીય દિનેશભાઈ અઘારાને મગજમાં ગાંઠ હોવાથી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન તો થઈ ગયું પરંતુ તેની દવા છેલ્લા બે અઠવાડિયા થી મળતી નથી અને ડોક્ટર પાસે જાય તો જવાબ મળે છે કે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ આવો. જે દવા ₹5,000 ની મળતી હોવાથી દર્દી દવા લીધા વિના થાન પોતાના વતન પરત ફરી ગયા હતા. આ બાબતે સિવિલ સુપ્રીટેન્ડેન્ટનું કહેવું છે કે સરકારી હોસ્પિટલમાં એક પણ દર્દીને દવા લેવા માટે બહારના મેડિકલ સ્ટોરમાં મોકલવામાં આવતા નથી. સિવિલમાં દવા ન હોય તો બહારથી ખરીદી કરી દર્દીને આપવામાં આવે છે. જ્યારે દર્દીને બહારથી દવા લેવા માટેનું કહેવામાં આવતું નથી જોકે તેમ છતાં પણ આ કિસ્સો સામે આવતા તપાસ બાદ પ્રતિક્રિયા આપવામાં આવશે.

છેલ્લા બે મહિનાથી હોસ્પિટલમાંથી દવા મળતી ન હોવાનો આક્ષેપ 49 વર્ષીય દર્દી દિનેશભાઈ અરજણભાઈ અઘારાએ જણાવ્યું હતું કે, મને મગજમાં ગાંઠ હતી જેથી તેનું ઓપરેશન કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. પાંચ મહિના પહેલા ઓપરેશન કરાવ્યું હતુ. જોકે છેલ્લા બે અઠવાડિયાથી મને અહીં દવા મળતી નથી. ડોક્ટર એવું કહે છે કે બહારની દવા લખી દઉં છું તે લેતા આવજો. બહાર મેડિકલ સ્ટોરમાં મને આ દવાના ભાવ ₹4,000 થી 5000 કહેવામાં આવ્યા.

દિનેશભાઈ સુરેન્દ્રનગરના થાનના વગડીયા ગામમાં રહે છે. જેમને પાંચ મહિના પહેલા મગજમાં ગાંઠ હોવાનું નિદાન થયું. જેથી સિવિલ હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરાવવામાં આવ્યું. તેમને દવાઓ લખી આપવામાં આવી પરંતુ છેલ્લા બે અઠવાડિયાથી અમુક દવાઓ આપવામાં આવતી નથી અને ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે બહાર મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ આવો. દર્દી બહાર મેડિકલ સ્ટોરમાં દવા લેવા પહોંચ્યા તો તેમને કહેવામાં આવ્યુ કે આ દવાના રૂપિયા 5000 થશે પરંતુ તેમની પાસે એટલા પૈસા ન હોવાથી દવા ન ખરીદી. સતત બીજા મંગળવારે દર્દીને સિવિલ હોસ્પિટલમાં ધક્કો થયો. અગાઉ તેઓ કારખાનામાં મજૂરી કામ કરતા હતા. હાલ તેમને સંતાનમાં બે દીકરા છે. આ પરિસ્થિતિમાં રાજકોટની સરકારી હોસ્પિટલમાં દવાની અછતને કારણે જરૂરિયાતમંદ દર્દી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *