ગુજરાતની એકમાત્ર સરકારી સ્કિનબેંક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે. આ સ્કિનબેંકને હાલ એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રથમ વર્ષમાં સ્કિનબેંક દ્વારા નોંધપાત્ર કહી શકાય તેવી કામગીરી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 20 લોકોએ સ્કિન ડોનેટ કરતા 60 દર્દીઓને નવી ચામડી મળી ચુકી છે. હજુપણ 9 દર્દીઓએ ડોનેટ કરેલી સ્કિન સ્ટોરેજમાં ઉપલબ્ધ છે. જેનાથી બીજા 50 કરતા વધુ દર્દીઓનો ઈલાજ થઈ શકે તેમ છે.
સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલી ગુજરાતની પ્રથમ સરકારી સ્કિન બેંકમાં અત્યાર સુધીમાં કુલ 20 લોકો દ્વારા સ્કિન ડોનેશન કરવામાં આવ્યું છે. જેમાંથી 11 લોકોની સ્કિનનો ઉપયોગ કરી કુલ 60 લોકોને નવી સ્કિન આપી ઈલાજ કરવામાં આવ્યો છે. જ્યારે હજુ પણ સિવિલ હોસ્પિટલની સ્કિન બેંકમાં 9 જેટલા લોકોની ડોનેટ કરેલી સ્કિનનો સ્ટોરેજ ઉપલબ્ધ છે.