રાજકોટ સિવિલ ચોકીમાં ફરજ બજાવતા ASI નશાની હાલતમા ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રાજકોટમાં દારૂબંધી અમલવારી કરાવનાર પોલીસ કર્મી જ પીધેલી હાલતમાં ઝડપાયા છે. રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર ગઈકાલે રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો હતો જે બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમયે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેઓ હોસ્પિટલ ચોકી પહોંચતા ફરજ પરના પોલીસ કર્મચારી ચંદ્રસિંહ ઝાલા નશાની હાલતમાં હોવાનું સામે આવતા સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં ફરજ પર રહેલ ASI ચંદ્રસિંહ જશુભા ઝાલા (ઉ.વ.52)ને બેથ એનાલાઇઝર દ્વારા અન્ય સ્ટાફે ચેક કરતા પોઝિટિવ રિપોર્ટ આવતા ફરિયાદી કોન્સ્ટેબલ તોફિકભાઇ દાદુભાઇ મંધરાએ સરકાર તરફે ફરિયાદ નોંધાવતા ચંદ્રસિંહ જશુભા ઝાલા વિરુધ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય બનાવમા રાજકોટ શહેરમાં કાલાવાડ રોડ ઉપર આવેલ કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક રહેતા પરિવારની રિંકલબેન રાજુભાઈ ખડિયા નામની બે વર્ષની માસુમ બાળકી રમતી હતી. ત્યારે અકસ્માતે દરવાજો તેના માથે પડ્યો હતો જેથી માસુમ બાળકીને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીની સારવાર કારગત નિવડે તે પહેલા જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસે જરૂરી કર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *