રાજકોટનાં પડધરી પાસે કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મુંબઈના શીપ સુપ્રિટેન્ડેન્ટને ગંભીર ઈજા થતા રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનું મોત નિપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે પીએમ કરવાની ના પાડી દેતા મૃતદેહ 5 કલાક રઝળ્યો હતો. મૃતકના પત્ની સહિત પરિવારે આજીજી કરવા છતાં પીએમ કરવાને બદલે ડોક્ટર ચાલ્યા ગયા હતા. સામાપક્ષે જવાબદાર ડોકટર ધ્વનિત અગ્રેસરાએ પોલીસ દ્વારા જરૂરી વિગતો અને ફોટા આપવામાં નહીં આવતા પીએમ ન કર્યાનો બચાવ કર્યો હતો. પરિવારે આ અંગે સિવિલ અધિક્ષકને અરજી કરી છે. પણ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ હાલ તેઓ રજા ઉપર હોવાથી આ અંગેની જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસ અને સિવિલ તંત્રનાં ઘર્ષણમાં મૃતકનો પરિવાર પીસાયો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ મુંબઈ રહેતા અને શીપ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નોકરી કરતા 47 વર્ષીય રાણાપ્રતાપ દેવનારાયણ સિંહ તેમના પરિવાર સાથે કાર લઈને જામનગરથી પરત આવતા હતા. ગત સાંજે છએક વાગ્યે પડધરી નજીક કાર પલટી ખાઈ જતા ગંભીર ઈજા થતા રાણાપ્રતાપને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તેઓએ દમ તોડી દેતા મૃતદેહ લઈ પરિવારજનો સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે પહોચ્યા હતા.
સિવિલનાં પીએમ રૂમ ખાતે ફરજ પર રહેલા ડોક્ટર ધ્વનિત અગ્રેસરાએ પરિવાર જાણે કોઈ ગુનો કરી આવ્યો હોય તેવું વર્તન કર્યાનો આક્ષેપ કરાયો છે.પરિવારે તેમજ હાજર પોલીસે અકસ્માતના સ્થળના ફોટા બતાવ્યા છતાં પોતે વારંવાર અનેક પ્રશ્નો કરીને પરિવારને હેરાન કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અને મૃતકના પત્નીએ આજીજી કરવા છતાં તબીબ અંતે પીએમ કર્યા વિના જ ચાલ્યા જતા મૃતદેહ 5 કલાક સુધી રઝળ્યો હોવાનો પણ આરોપ લગાવાયો છે.
સમગ્ર મામલો વહીવટી અધિકારી ડોક્ટર મહેન્દ્ર ચાવડા સુધી પહોચતા પોતે મોડી રાત્રે પીએમ રૂમ ખાતે દોડી આવ્યા હતા. અને તેમણે પીએમની કામગીરી પૂર્ણ કરી માનવતા દાખવી હતી. આ અંગે મૃતકનાં ભાઈ સંદિપ પ્રતાપે નિર્દયતા દાખવનાર તબીબ સામે પગલા લેવા સિવિલ સુપ્રિટેન્ડેન્ટને લેખિત ફરિયાદ કરી છે. જોકે આ અંગે સિવિલ અધિક્ષકને પૂછવામાં આવતા તેઓએ પોતે હાલ રજા ઉપર હોવાથી આ અંગે જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.