રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનપા સફાઈ કામદારના અનફિટ સર્ટિફિકેટ માટેનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં હોસ્પિટલ કે મહાપાલિકાના અધિકારીઓ દ્વારા બોગસ સહી-સિક્કા અને ચેકચાક કરી ગેરરીતિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ માટે 25થી 40 હજારની વસુલાત પણ કરવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી હતી. જોકે સિવિલ અધિક્ષક ડો. ત્રિવેદીએ આ તમામ આરોપો ફગાવ્યા હતા અને બોગસ સહી-સિક્કા તેમજ ચેકચાક વાળા સર્ટિફિકેટ અમાન્ય હોવાનું જણાવ્યું હતું. તેમજ આ માટે કોઈ એજન્ટ નહીં હોવાના બોર્ડ પણ તેમની ચેમ્બર બહાર લગાડવામાં આવ્યા હોવાનો બચાવ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર ઓરીજનલ સર્ટિફિકેટમાં ડુપ્લીકેટ તબીબોના સહિ-સિક્કાઓ, ચેકચાક કરી ઓરીજનલ તરીકે દર્શાવી 25થી 40 હજારની રકમ લેવામાં આવી રહી હોવાની ચર્ચા છે. હોસ્પિટલમાંથી નીકળેલા કેટલાક અનફિટ સર્ટીમાં ચેકચાક કરી નોકરી મેળવવા માટે મહાપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગમાં રજૂ કરવામાં આવતા અનેક સર્ટીમાં ખોટા સહી-સિક્કા હોવાનું સામે આવ્યું હતું. જોકે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની કોઈ ગેરરીતિ નહીં થતી હોવાનો દાવો સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.