રાજકોટ સિવિલમાં બીજીવાર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વોનો જમાવડો અને નશાખોરીની વધતી પ્રવૃત્તિઓને ડામવા માટે પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા એક મહિનામાં બીજીવાર ઓચિંતું ચેકિંગ હાથ ધરાયુ હતું. હોસ્પિટલના પટાંગણ અને વોર્ડની આસપાસ દારૂ તેમજ ગાંજા જેવા નશાની હાલતમાં રખડતા શખસોને કારણે દર્દીઓ અને તેમના સગાઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થો ઉભા થયા હતા. આ ગંભીર પરિસ્થિતિ અંગે રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજાભાઈ ચાવડાએ પોલીસને રજૂઆત કરી હતી.

અગાઉ 19 જાન્યુઆરીના રોજ કરાયેલી કાર્યવાહીના બરાબર 1 મહિના બાદ ફરીથી આ કડક તપાસ કરવામાં આવી છે. જેમાં પોલીસ કાફલાએ હોસ્પિટલના ખૂણેખૂણે, પાર્કિંગ અને વોર્ડ વિસ્તારમાં તપાસ કરીને જે લોકો પાસે માન્ય પાસ નહોતા અથવા જેઓ દર્દીના સગા હોવાનું સાબિત ન કરી શક્યા, તેવા બધા બિનજરૂરી શખસોને બહાર કાઢ્યા હતા.

રાજાભાઈ ચાવડાએ જણાવ્યું કે, હોસ્પિટલમાં વસવાટ કરતા આ તત્વો અવારનવાર હોબાળો મચાવી દર્દીના સગાઓની સાથે ઘર્ષણ કરતા હોવાની ફરિયાદો મળી હતી. જેને લઈ પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમયાંતરે આ પ્રકારે ચેકિંગ ચાલુ રાખવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *