રાજકોટ સિવિલમાં થેલેસેમિયા માટે જરૂરી ડેસ્પરાલ ઇન્જેક્શનનો અભાવ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 400 કરતા વધુ થેલેસેમિયાથી પીડિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા માટેના ડેસ્પરાલ (ડેસફ્રોક્સીમાઇન) ઇન્જેક્શનનો અભાવ હોવાનું સામે આવ્યું છે. સાથે જ થેલેસેમિયા માટેના સ્પેશિયાલિસ્ટ હિમેટોલોજીસ્ટ ડોક્ટર પણ સિવિલમાં નહીં હોવાથી પીડિતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને થેલેસેમિયા પીડિતોએ આ ઇન્જેક્શનની અછત દૂર કરી ડોક્ટરની ભરતી કરવા માગ ઉઠાવી છે.

થેલેસેમિયાની સારવાર લેતા યુવાને કહ્યું હતું કે, હું છેલ્લા 22 વર્ષ કરતા વધુ સમયથી શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઉં છું. હાલ મોટી તકલીફ છે કે, સિવિલ હોસ્પિટલમાં રક્તનાં નિષ્ણાંત હિમેટોલોજીસ્ટ ડોક્ટર નથી. જેને લઈને કઈ દવા કેટલા પ્રમાણમાં લેવી સહિતનું યોગ્ય માર્ગદર્શન મળતું નથી. આ ઉપરાંત એક ડેસ્પરાલ ઇન્જેક્શન આવે છે, જેની છેલ્લા મહિનાઓથી અછત છે. ઇન્જેક્શન નહીં લેવાથી અમારા બોડીમાંથી આયર્ન એટલે કે ફેરેટીન રિલીઝ થાય છે. જેને કારણે હાર્ટ અને લીવરનાં રોગો થતા મોત થવાની સંભાવના હોય છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, પોતાની જેવા આશરે 450 દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાથી આ તમામને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી દર્દીઓ સારવાર લેતા હોવાથી ઇન્જેક્શનની અછત અને હિમેટોલોજીસ્ટની નિમણૂક નહીં થવાને લઈ જીવનું જોખમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમજ તાત્કાલિક ધોરણે હિમેટોલોજીસ્ટની ભરતી કરીને આ ઇન્જેક્શનની અછત દૂર કરવી જરૂરી હોવાનું કહ્યું હતું. અન્ય એક દર્દી પૂનમબેન લીંબસિયાએ પણ આ વાતને સમર્થન આપી તાત્કાલિક પગલાં લેવા માગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *