રાજકોટ સિવિલમાં ટીબીના દર્દીનું ભેદી મોત

રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં આવતી હોય છે ત્યારે ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા ટીબીના દર્દીનું ભેદી આગમાં મોત નિપજ્યું છે. આ મામલે પોલીસે કહ્યું કે, બીડી પીતા દાઝી જવાથી મૃત્યુ થયું છે છતાં પોસ્ટમોર્ટમ વિના મૃતદેહ સોંપી દેવાયો હતો, જેને લઈ અનેક સવાલો લોકોમાં ઉઠ્યા છે. જોકે, સિવિલ અધિક્ષકે આ મામલે તપાસ કમિટીની રચના કરી હોવાનું અને એક સપ્તાહ બાદ તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું રટણ કર્યું હતું.

આ પહેલા પણ આ પ્રકારની દુર્ઘટના બની હતી. જેમાં એક દર્દીનું વેન્ટિલેટર ચાલુ હતું ત્યારે આગ લાગતા તે દાઝી ગયા હતા. જેની તપાસમાં વેન્ટીલેટર કે ઇલેક્ટ્રિક ફિટિંગ બંનેમાં કોઈ ખામી નહીં હોવાનો રિપોર્ટ આવ્યો છે ત્યારે આ મામલે શુ રિપોર્ટ આવશે તે જોવું રહ્યું.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ પ્રૌઢ દર્દી 2 ડિસેમ્બરના ભેદી સંજોગોમાં દાઝી ગયા હતા, જેમનું તા.5ના સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. ટીબીના દર્દી રાત્રિના બીડી પીતી વખતે દાઝી ગયાની ડોક્ટરે પોલીસમાં નોંધ કરાવી હતી. દર્દીનું મૃત્યુ થયા બાદ પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત હોવા છતાં પોલીસે પીએમ કરાવ્યા વગર મૃતદેહ સ્વજનોને સોંપી દીધો હતો. ત્યારે બીડી પીતા નહીં પરંતુ કોઇ ઇલેક્ટ્રિક સ્પાર્કથી દર્દી દાઝ્યાની દૃઢ શંકા સેવાઇ રહી છે. સિવિલ તંત્ર અને પોલીસની મિલીભગતથી પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર મૃતદેહ સોંપી દીધાના આરોપો લાગી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *