રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આરોપ લાગ્યો છે. જેમાં સારવાર લઈ રહેલા દર્દીને મોત મળ્યું હતું. વહેલી સવારે હોસ્પિટલમાં બનતા ગેટના પિલોર માટેનાં ખાડામાં પડતા જગદીશ મનસુખભાઈ ચાવડા નામના દર્દીનું મોત નિપજ્યું છે. આ દર્દી પેટનાં સોજાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતો. સવારે ચા પીવા માટે વોર્ડમાંથી નીચે ઉતરતા ખાડામાં પડી જવાથી આ દર્દીને સાજા થવાને બદલે મોત મળ્યું હતું. સમગ્ર મામલે પરિવારે કોઈપણ પ્રકારના બેરીકેડ ન લગાવ્યા હોવાથી દુર્ઘટના બની હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. જોકે સિવિલ અધિક્ષકે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તપાસ કમિટીની દેખરેખમાં તપાસ કરવાની ખાતરી આપી છે. ત્યારે સાચી હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
મૃતક જગદીશભાઈનાં મોટાભાઈ સંજય ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, મારા ભાઈને પેટમાં સોજા હોવાથી તેને ત્રણ દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યો હતો. આ સારવાર સફળ રહેતા તે સાજો થયો હતો. અને આજે તેને રજા આપવાના હતા. ડોક્ટરે તેને ચાલવાનું કહ્યું હોય તે સવારે ચાલીને નીકળ્યો હતો. દરમિયાન ગેઇટનું કામ ચાલતું હતું ત્યાં કોઈ બેરીકેડ નહીં હોવાથી ત્યાંથી ચા પીવા ગયો હતો. અને ઊંડા ખાડામાં પડી જતા ભાઈને સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે. સિવિલ તંત્ર દ્વારા કોઇ બેરીકેડ લગાવ્યા નહોતા જેને કારણે આ દુર્ઘટના બની છે. તંત્રએ સાવચેતી રાખવી જોઈએ. અહીં લોકો સાજા થવા માટે આવે છે તેને બદલે મારા ભાઈને મોત મળ્યું છે.