રાજકોટ સાયબર ક્રાઇમમાંથી 23ને બદલીને પોલીસ સ્ટેશનમાં મુકાયા

રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંથી એક સાથે 23 કર્મચારીને બદલાવીને પોલીસ સ્ટેશનમાં મૂકી દેવાયા હતા.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંથી એકસાથે 23 કર્મચારીની બદલી કરાતા શહેર પોલીસબેડામાં ભારે ચર્ચા શરૂ થઇ હતી. આ મામલે પ્રાપ્ત માહિતી મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 65 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા.

અગાઉ રૂ.2 લાખથી વધુના ફ્રોડની તપાસ આ પોલીસ સ્ટેશનનો સ્ટાફ કરતો હતો, પરંતુ ગૃહ વિભાગ દ્વારા કરાયેલા પરિપત્ર મુજબ રૂ.5 લાખથી વધુના ફ્રોડની તપાસ જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થશે, તેથી નાની રકમના ફ્રોડની તપાસ જે તે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે, આ પરિપત્રથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કામનું ભારણ ઘટ્યું હતું અને અનેક કર્મચારીઓ પાસે કામ નહોતું જેથી 23 કર્મચારીને પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવ્યા હતા.

દરેકના કામનો રિવ્યૂ કરી બદલી કરાઇ છે: કમિશનર ઝા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રૂ.5 લાખથી વધુ મૂલ્યના ફ્રોડની તપાસ જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરાશે, તેનાથી નાની રકમના ફ્રોડની તપાસ જેતે પોલીસ સ્ટેશને કરવાની રહેશે આ પરિપત્ર બાદ પોલીસ સ્ટેશનમાં સાયબરની ફરિયાદો વધી છે, આ ઉપરાંત 112 શરૂ થતાં તેમાં પણ પોલીસ સ્ટેશનમાંથી સ્ટાફને મૂકવામાં આવતાં પોલીસ સ્ટેશનમાં સ્ટાફની અછત ઊભી થઇ હતી, પોલીસ સ્ટેશનની વિઝિટ દરમિયાન આવા અનેક મુદ્દા ધ્યાન પર આવતાં શહેરની અલગ અલગ બ્રાંચમાં રહેલા સ્ટાફની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો અને જે કર્મચારીઓ પાસે ઓછું કામ હતું તેમનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું, સાયબર ક્રાઇમ, મહિલા પોલીસ સ્ટેશન અને પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી કર્મચારીઓને બદલીને પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે અને હજુ પણ બે બ્રાંચમાંથી સ્ટાફ ઓછો કરી પોલીસ સ્ટેશનમાં મુકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *