રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 4 માર્ચ સુધીમાં તાપમાન 39 ડિગ્રીને પાર થશે

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં હવે ધીમે-ધીમે ઉનાળાનો આકરો મિજાજ જોવા મળશે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ આગાહી મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે જેના કારણે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થશે.

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પરંતુ, ત્યારબાદ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં તાપમાનમાં ધીમે-ધીમે 3 થી 4 ડિગ્રી તાપમાનનો વધારો થવાની શક્યતા છે.

રાજકોટમાં હાલ મહત્તમ તાપમાન 33.8°C નોંધાયું છે. જોકે, સાત દિવસના પૂર્વાનુમાન મુજબ 3 માર્ચથી તાપમાનનો પારો ઊંચકાઈને 38 થી 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

રાજકોટમાં આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. 28 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે. જોકે, જેમ જેમ માર્ચ મહિનો આગળ વધશે તેમ તેમ લઘુતમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની સંભાવના છે. એટલે કે વરસાદની કોઈ શક્યતા નથી.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. 4 અને 5 માર્ચના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ-ભેજવાળા પવનો ફૂંકાશે. હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને બફારો અને અસ્વસ્થતા અનુભવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *