ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયાએ રાજકોટની કલેક્ટર કચેરી ખાતેથી ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગેની તૈયારીઓ વિશે સમીક્ષા કરી હતી.
મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંદાજે 42 લાખ મેટ્રિક ટન ઘઉં ઉત્પાદન થવાની સંભાવના છે, જેમાંથી 12 લાખ મેટ્રિક ટન ગુજરાતની જનતાને રાશન માટે જરૂર પડે છે ત્યારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી કેન્દ્ર સરકાર સમગ્ર રાષ્ટ્રના 80 કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને નિ:શુલ્ક રાશન વિતરણ દ્વારા ઘઉં પહોંચાડશે. આ માટે ગુજરાતમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરાશે. ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓને વધુને વધુ ખેડૂતો ઘઉંના વેચાણ અર્થે નોંધણી કરાવે તે માટે તકેદારી લેવા જણાવ્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘઉં માટે રજિસ્ટ્રેશનની મુદત 5 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે તેમજ સરકાર રૂપિયા 2450ના ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. સરકાર પણ સફાઈ કરેલા ઘઉં ખરીદી રહી હોય તેથી પડધરી ઘઉં ખરીદ કેન્દ્ર ખાતે બે મશીન મુકવામાં આવશે. ઘઉં ખરીદ્યા બાદ 48 કલાકમાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે તેવી વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગરમીના કારણે જો ઘઉંનું સંકોચન થાય અને તેની ગુણવત્તામાં કંઈ ફેરફાર થાય તો ગુણવત્તા અંગેના સુધારા સાથે પણ કેન્દ્ર સરકાર માર્ગદર્શિકા બહાર પાડી ઘઉંની ટેકાના ભાવની ખરીદી ચાલુ રાખશે તેમજ કોઈપણ જિલ્લા ખાતે ખેડૂતોને ઘઉંના વેચાણ અર્થે વધુ દૂરના કેન્દ્ર પર આવવું પડતું હોય તો તેમની નજીકના નવા કેન્દ્રો શરૂ કરવા માટે પણ જિલ્લાધિકારીઓને જણાવ્યું હતું.