રાજકોટ સહિત રાજ્યની ગર્લ્સ કોલેજમાં બોયઝના રજિસ્ટ્રેશન થઇ ગયા!

રાજ્યના શિક્ષણ વિભાગે પહેલીવાર કોલેજ અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા સેન્ટ્રલાઈઝ કરી છે અને GCAS પોર્ટલ મારફત સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આ ઓનલાઈન પોર્ટલમાં પણ કેટલીક ખામીઓ બહાર આવી છે જેમાં વિદ્યાર્થીઓને જે-તે કોલેજ કે કોર્સમાં પ્રવેશ માટે મહિલા કે પુરુષ વિદ્યાર્થીની કેટેગરી જ નહીં ઉમેરી હોવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓએ રાજકોટ સહિત રાજ્યની મહિલા કોલેજમાં પણ એડમિશન માટે ફોર્મ ભરી દીધા હતા. જ્યારે આખી કોલેજ જ માત્ર મહિલાઓની હોય ત્યાં પુરુષ વિદ્યાર્થીને પ્રવેશ કેવી રીતે આપી શકાય તેવી દ્વિધા ઊભી થઇ હતી.

જોકે મોટાભાગની કોલેજએ આ પ્રકારના ફોર્મ માન્ય જ રાખ્યા ન હતા, પરંતુ રાજ્યની કેટલીક કોલેજમાં પ્રથમ રાઉન્ડમાં મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી દીધાની ફરિયાદો ઊઠી છે.રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ. સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) પોર્ટલ મારફત પ્રવેશ અંગે રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા. 01 એપ્રિલથી શરૂ કરી હતી જે 02 જૂન સુધી ચાલી હતી.

સરકારી યુનિવર્સિટીઓમાં ધોરણ-12 પછીના અન્ડર ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે હાથ ધરવામાં આવેલી રજિસ્ટ્રેશનની કાર્યવાહી દરમિયાન 3.20 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત 12 સરકારી યુનિવર્સિટીઓમાં અન્ડર ગ્રેજ્યુએટની 7.91 લાખ જેટલી બેઠક ઉપલબ્ધ છે.જ્યારે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓ માટે મેલ/ફીમેલની કેટેગરી પ્રમાણે પ્રવેશ માટે કોલેજ પસંદ કરી શકે તેવી વ્યવસ્થા જ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *