ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.10 અને 12ની પરીક્ષામાં નાપાસ એટલે કે પરિણામ સુધારવાની જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી તારીખ 23 જુનથી 3 જુલાઈ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે. રાજકોટ સહિત રાજ્યભરમાં આશરે 1.95 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના હોવાનું જાણવા મળ્યું છે. જો કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે ગત 12મી મેથી ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 19મીએ ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ ગઇ હતી. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ મુદ્દત લંબાવીને 21મી મે કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા કેટલા ફોર્મ ભરાયા તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ સવા લાખ ફોર્મ ભરાયા હોવાનો અંદાજ છે. બોર્ડે કરવામાં આવેલી નવી પધ્ધતિ પ્રમાણે ગત વર્ષે માત્ર ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક આપવામાં આવી હતી. ચાલુ વર્ષે તમામ વિદ્યાર્થીઓને આ પ્રકારની તક આપવામાં આવી છે. આગામી 29 અને 30મીના રોજ ઉત્તરવહી અવલોકન માટેની કામગીરી શરૂ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને પોતાની ઉત્તરવહી બતાવીને માર્કસમાં ફેરફાર છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.
બોર્ડના જે વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવ્યું છે, પરંતુ તેઓ હજુ પણ પરિણામ સુધારવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. 21મી સુધી પૂરક પરીક્ષાના ફોર્મ ભરાયા બાદ શુક્રવારે શિક્ષણબોર્ડે પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કર્યું છે.