રાજકોટ સરકારી હોસ્પિટલમાં દેશીદારૂની કોથળીઓનો ઢગલો

રાજકોટની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સારવારને બદલે હવે નશીલા પદાર્થોનું સેવન થઈ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટની જાણીતી પદ્મકુંવરબા હોસ્પિટલ, જે મહિલાઓ અને બાળકોની સારવાર માટેનું પવિત્ર સ્થળ ગણાય છે, તે જ હવે દેશી દારૂના અડ્ડામાં પરિવર્તિત થઈ રહી હોવાનું જણાય છે. હોસ્પિટલનાં ઓપીડી વિભાગના પ્રથમ માળે આવેલા પુરુષ ટોયલેટની બારીની નીચેથી દેશી દારૂની ખાલી કોથળીઓનો મોટો ‘ઢગલો’ મળી આવતા સમગ્ર હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

RMOએ સિક્યુરિટીને સૂચના આપીને બચાવ કર્યો આ મામલે હોસ્પિટલના આરએમઓ (RMO) નૂતનબેને સ્વીકાર્યું હતું કે, આવી પ્રવૃત્તિઓ મોટેભાગે વોશરૂમમાં થાય છે જ્યાં સીસીટીવી મૂકવા શક્ય નથી. જોકે, તેમણે આ કૃત્યો અટકાવવા માટે સિક્યુરિટી સ્ટાફને કડક સૂચનાઓ આપી હોવાનું અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જણાવ્યું હતું.

હોસ્પિટલમાં દર્દીઓ સ્વાસ્થ્ય લાભ લેવા આવે છે, ત્યાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થવી એ અત્યંત ચિંતાજનક બાબત છે. આ દેશી દારૂની ખાલી કોથળીઓ સ્પષ્ટપણે સંકેત આપે છે કે હોસ્પિટલની અંદર નિયમિતપણે દારૂનું સેવન થઈ રહ્યું છે. સૌથી મોટો સવાલ એ છે કે આ નશો કરનારા તત્વો છે કોણ? શું તેઓ હોસ્પિટલ કર્મચારીઓ છે, જેઓ પોતાની ફરજ દરમિયાન અથવા ડ્યુટીના સમય બાદ આવા કૃત્યો આચરી રહ્યા છે? અથવા તો હોસ્પિટલમાં ઘૂસી આવતા કોઈ આવારા તત્વો કે બહારના શખ્સો આ પવિત્ર સ્થળનો દુરુપયોગ કરી રહ્યા છે? જો હોસ્પિટલ મેનેજમેન્ટ આટલી મોટી અને નિયમિત ચાલતી પ્રવૃત્તિથી સંપૂર્ણપણે અજાણ હોય, તો તે તેમની નિષ્ફળતાની ચરમસીમા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *