રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા તાજેતરમાં એક મહિના પૂર્વે શહેર સંગઠન માળખાની જાહેરાત કર્યા બાદ ક્યાંક નારાજગીના સુર રેલાતા શહેર ભાજપના 15 સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરી શહેરના તમામ 18 વોર્ડના પ્રભારી તેમજ 70 કારોબારી સભ્યની નિમણુંક કરવામાં આવી છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપના ત્રણેય મહામંત્રીને વિધાનસભા મુજબ ઝોનની ફાળવણી કરી દેવામાં આવી છે જેમાં વલ્લભભાઈ દુધાત્રાને પૂર્વ વિધાનસભા 68, લલિતભાઈ વાડોલિયાને પશ્ચિમ વિધાનસભા 69, અને યોગેન્દ્રસિંહ જાડેજાને વિધાનસભા 70,71ની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જૂથવાદ અને નારાજગીને દૂર કરી સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સૂત્રને ધ્યાનમાં રાખી શહેર ભાજપ પ્રમુખ દ્વારા નિમણુંકો કરવાં આવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે આ વખતે શહેર ભાજપના માળખામાં વિજયભાઈ રૂપાણી જૂથના લોકોને પણ આવરી લેવામાં આવ્યા છે જેમાં કોઈને નવા હોદેદારોની નિમણુંક માટે ચર્ચા કરવા લિસ્ટમાં તો કોઈને કારોબારી સભ્યોમાં તો કોઈને પ્રભારીના લિસ્ટમાં આવરી લેવામાં આવ્યા છે.