રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું- જાગનાથ સહિતના વિસ્તારોમાં રહેતા લોકો માટે વાહન લઈ નિકળવું પણ મુશ્કેલ

રાજકોટ શહેરમાં ચોમાસા બાદ રસ્તાઓની હાલત ખૂબ દયનીય બની છે અને મુખ્ય માર્ગોથી લઈને સોસાયટીના રસ્તાઓ સુધી સર્વત્ર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સત્તાવાર આંકડાઓ મુજબ, રાજકોટમાં 126 કિલોમીટર લંબાઈના 48 રસ્તાઓ હજુ ભંગાર હાલતમાં છે. જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું કે, જાગનાથ સહિતના વિસ્તારોમાં રહેતા લોકો માટે વાહન લઈ નિકળવું મુશ્કેલ બન્યું છે. ભાજપનાં શાસનમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આરોપ પણ તેમણે લગાવ્યો છે.

રાજદીપસિંહ જાડેજાએ ભાજપ શાસિત મહાપાલિકા ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોન્ટ્રાક્ટર, અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે ભ્રષ્ટાચારની ગંગોત્રી વહે છે. તેમની મિલીભગતના કારણે રસ્તાના કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવે છે, જેના પરિણામે પ્રજાના પૈસાનું પાણી થાય છે અને રસ્તાઓ ટૂંકા ગાળામાં જ બિસ્માર થઈ જાય છે. રાજકોટની જનતા હવે જાગી ગઈ છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ભ્રષ્ટાચારનો જડબાતોડ જવાબ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *