રાજકોટથી વેરાવળ વચ્ચેની લોકલ ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સાંજે 6.20 કલાકે રાજકોટથી ઉપડતી ટ્રેનમાં પેસેન્જરોની એટલી હદે ભીડ જોવા મળી રહી છે કે, લોકોને ઊભા રહેવા માટે પણ જગ્યા મળતી નથી. ગઈકાલે શનિવાર હોવાથી રજાના માહોલ વચ્ચે ટ્રેનમાં કીડીયારું ઉભરાયું હોય એવા દૃશ્યો સર્જાયા હતા. ટ્રેનની અંદરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ડબ્બાની અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાજકોટ-વેરાવળ વચ્ચે દોડતી આ ટ્રેનમાં ખીચોખીચ મુસાફરો ભર્યા છે. આ ટ્રેનમાં કેટલાક મુસાફરોને બેસવાની તો દૂર સારી રીતે ઉભા રહેવાની પણ જગ્યા મળી નહીં હોવાનું પણ લાગી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે નિયમિત અપડાઉન કરતા મુસાફરો અને અન્ય પેસેન્જરો દ્વારા ટ્રેનમાં ડબ્બા વધારવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે, પરંતુ રેલવે તંત્ર દ્વારા આ મામલે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
છેલ્લા ઘણા સમયથી રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય રૂટ પર ટ્રેનમાં મુસાફરોનો ધસારો સતત વધી રહ્યો છે. જેમાં રાજકોટ-વેરાવળ રૂટ પર નોકરીયાત વર્ગ – ધંધાર્થીઓ મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોય છે. સાંજના સમયે જ્યારે લોકો પોતાના ઘરે પરત ફરતા હોય છે ત્યારે ટ્રેનમાં ભીડ બેકાબૂ બની જાય છે. શનિવારે આ સ્થિતિ વધુ ગંભીર બની હતી, જેમાં મહિલાઓ અને વૃદ્ધ મુસાફરોને સૌથી વધુ મુશ્કેલી પડી હતી.