રાજકોટ વીજપોલમાં લંગરિયું નાખી રાત્રિપ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડાતી હતી

વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામે ચાલતી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી સીધું જ લંગર નાખીને કરાતી વીજચોરી પકડી પાડવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા માથાના દુખાવા સમાન વીજચોરીનું દૂષણ ડામવા સતત વીજચેકિંગ કરવામાં આવે છે, પરંતુ વીજચોરી કાબૂમાં આવતી નથી. તેવામાં હવે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પણ વીજચોરી કરવામાં આવતી હોય ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીંછિયાના મોટા માત્રા ગામમાં ચાલી રહેલી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી હતી જેમાં વીજચોરી કરવામાં આવતી હોવાની રાજકોટ પીજીવીસીએલ ગ્રામ્ય વર્તુળ કચેરીને બાતમી મળી હતી.

જેને લઈને તા.12મીએ નાયબ ઈજનેરો અને જુનિયર ઈજનેરોની ટીમ બનાવવામાં આવી હતી અને ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પોલીસના બંદોબસ્ત સાથે રાખી ત્રાટકી હતી. આ દરમિયાન વીજજોડાણ અંગે ચેકિંગ કરવામાં આવતા ટૂર્નામેન્ટના આયોજકો દ્વારા વીજ ટ્રાન્સફોર્મરમાં સીધું લંગરિયું નાખીને વીજચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પીજીવીસીએલના પ્રાથમિક અંદાજ મુજબ રૂ. 22 લાખની વીજચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું અને ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજકોને બિલ ફટકારવામાં આવ્યું હતું. આ દરોડાની કામગીરી દરમિયાન 250 મીટર જેટલો વાયર તેમજ 7 ફ્યૂઝ કબજે કરવામાં આવ્યા હતા.

ગ્રાઉન્ડમાં લાઈટના થાંભલા ઊભા કરી લાઈટનો ઝગમગાટ કરવામાં આવ્યો હતો ત્યારે જ પીજીવીસીએલની ટીમ ત્રાટકતા ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓ પણ ચોકી ગયા હતા.નોંધનીય છે કે, અગાઉ જામનગરમાંથી પણ આવી રીતે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સીધું જ લંગરિયું નાખીને વીજચોરી કરાતી હતી અને ત્યાં પણ પીજીવીસીએલની ટીમે ત્રાટકીને લાખો રૂપિયાની વીજચોરી પકડી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *