રાજકોટ ખાતે આયોજિત 5 દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’માં ઉદ્યોગ સાહસિકો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ પ્રદર્શનમાં જાયન્ટ કોર્પોરેટ્સથી લઈને લઘુ ઉદ્યોગો, કૃષિ, આરોગ્ય અને સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. બંસી દેવાણીના માર્ગદર્શન હેઠળ M.Tech. અને Ph.D. ના 41 વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, અહીં ‘લોકલ ટુ વોકલ’ની વિભાવના સાકાર થતી જોવા મળી છે. ખાસ કરીને ખેતીમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત સેન્સર્સ, સોઇલ હેલ્થ અને મોઇશ્ચર ડેટા એનાલિસિસના પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓને ભવિષ્યના સંશોધનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
બીજી તરફ, મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના વિદ્યાર્થી એક્સેલે હિન્દીમાં ‘કૈસે હૈ આપ લોગ’ કહી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. B.Tech. Electrical ના આ વિદ્યાર્થીએ બ્લ્યુ રિવોલ્યુશન અને ગ્રીન એનર્જી જેવા સેક્ટરમાં ઊંડો રસ દાખવ્યો હતો. તેણે આ ઇવેન્ટને ગુજરાત માટે ‘ગેમ ચેન્જર’ ગણાવી હતી અને ભવિષ્યમાં ગુજરાતમાં જ કરિયર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એક્સેલે વધુમાં ઉમેર્યું કે, આફ્રિકન દેશોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે ખૂબ જ આદર છે અને તેઓ હંમેશા આફ્રિકાના વિકાસ માટે તત્પર રહે છે.