રાજકોટ લોકસભા લડવા 9 ઉમેદવાર મેદાને

રાજકોટ લોકસભા બેઠક પરની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ કુલ 16 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી 4 અપક્ષ અને 2 ડમી સહિત કુલ 6 ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 10 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. આ સાથે અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ભાજપનાં પુરૂષોત્તમ રૂપાલાનું ફોર્મ અમાન્ય હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે આજે તે ઉમેદવારે જ ફોર્મ પરત ખેંચી લેતા આશ્ચર્ય જન્મ્યું છે. હવે રાજકોટ લોકસભા બેઠક પર 9 ઉમેદવાર ચૂંટણી લડશે. 7 મે ના મતદાન છે, ત્યારે આ ચૂંટણીને લઈને 15,000 કર્મચારી ફરજ બજાવશે. 1,046 ક્રિટીકલ મતદાન મથકો હોવાનું તો આચારસંહિતા ભંગ કરતા 20,000 બેનર ઉતારવામાં આવ્યાં હોવાનું કલેકટરે જાહેર કર્યું હતું.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પર 16માંથી 10 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જોકે આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં 10માંથી 1 અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ફોર્મ પરત ખેંચતા હવે 9 ઉમેદવાર રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. તેમણે જણાવ્યું હતું કે, આજે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીને લઈ નામાંકનની યાદી ફાઇનલ થતા બેલેટ છાપવાની કામગીરી શરૂ થશે. રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીને લઇ 15,000થી વધુ કર્મચારી ફરજ બજાવવાના છે. આ ઉપરાંત પેરા મીલીટરી ફોર્સ માટેની માંગણી પણ મૂકવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો બાબતે તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં એવા એક પણ મતદાન મથક નથી કે જ્યાં ધાકધમકીને કારણે લોકો મતદાન ન કરી શકે. જોકે 1,046 ક્રિટીકલ મતદાન મથકો છે, જ્યા વધુ પોલીસ ફાળવવા માંગણી મૂકવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *