રાજકોટ લોકસભા બેઠક માટે 53 ફોર્મ ઉપડ્યા

રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીને લઇને ધમાસાણ શરૂ થઈ ગયું છે. કારણ કે, આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે પ્રથમ દિવસે કુલ 53 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારોના નામે 12 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. જ્યારે હાલમાં એક તરફ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ આજે 100 ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું એલાન કર્યું હતું.

ભાજપ અને કોંગ્રેસમાંથી 12-12 ફોર્મ ઉપાડ્યા
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ લોકસભા બેઠક પર 16 એપ્રિલે પુરુસોત્તમ રૂપાલા ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવાના છે. ત્યારે આજે પ્રથમ દિવસે પુરુષોત્તમ રૂપાલા, તેમના ડમી ઉમેદવાર મોહન કુંડારીયા અને કિરીટ પાઠકના નામે 4-4 એમ 12 ફોર્મ ભરાયા છે. તો કોંગ્રેસમાંથી પરેશ ધાણાની, ડો. હેમાંગ વસાવડા અને હિતેશ વોરાના નામે 4-4 એટલે કુલ 12 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. આ તેક, કોંગ્રેસના મહિલા અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં 100 ફોર્મ ઉપાડવામાં આવશે.

આ દરમિયાન રાજકોટ સંસદીય મત વિસ્તારના જિલ્લા ચૂંટણી અધિકારી તથા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આજરોજ લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવી છે. આ નોટિસમાં જણાવ્યા મુજબ, 10 રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં લોકસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણીના ઉમેદવાર કે, તેમના નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઇ એક વ્યક્તિ (1) ચૂંટણી અધિકારી, 10 રાજકોટ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર-રાજકોટ, કલેક્ટર કચેરી, જિલ્લા સેવાસદન, પ્રથમ માળ, જામટાવર સામે શ્રોફ રોડ, રાજકોટ 360001 ખાતેથી અથવા (2) મદદનીશ પૂરવઠા અધિકારી કચેરી, જિલ્લા સેવાસદન, બીજો માળ, જામટાવર સામે, શ્રોફ રોડ, રાજકોટ-360001 ખાતે મોડામાં મોટું 19 એપ્રિલના શુક્રવાર સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે. ઉપર દર્શાવેલા સ્થળે અને સમયે નામાંકન પત્રના ફોર્મ મેળવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *