રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન કે જે આશરે છેલ્લા 25 વર્ષથી રાજકોટમાં સમાજ સેવા માટે અગ્રેસર રહ્યું છે તેમના દ્વારા વધુ એકવાર આશરે 32 લાખના ખર્ચે એક સેવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જેમાં આગામી 26 મેના રવિવારથી સેવા પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ દિવસે દાંતના દર્દીઓ માટે કેમ્પ રખાયો છે અને ત્યાર બાદ તબક્કાવાર દર્દીઓની ફ્રી સારવાર કરવામાં આવશે. અહીં દાંતના રોગના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. જેમાં સૌથી મહત્વની વાત એ છે કે, શાળામાં ભણતા વિદ્યાર્થીઓએને ડેન્ટલ હાઇજિન અંગે સચોટ માહિતી આપવામાં આવશે.
રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા વધુ એક વાર હાથ ધરાયેલા સેવા પ્રોજેકટમાં 32 લાખના ખર્ચે એક પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દાંતના રોગો ધરાવતા દર્દીઓને સંપૂર્ણપણે ફ્રીમાં નિદાન કરી આપવામાં આવશે. જેમાં 400 જેટલા દર્દીઓને વિનામૂલ્યે દાંતના ચોકઠાં બનાવી આપવામાં આવશે. 100 જેટલા દર્દીઓને રૂટ કેનાલ કરી આપવામાં આવશે. આ સાથે જ અન્ય મહત્વની વાત એ છે કે, રાજકોટ શહેર અને આસપાસની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી 7000 શાળાના વિદ્યાર્થીઓને ટૂથ બ્રશ અને ટૂથ પેસ્ટ ધરાવતી કીટનું વિતરણ કરી તેમને ડેન્ટલ હાઈજિન વિશેની માહિતી માટે ટોક યોજવામાં આવશે.