વર્ષ 2011માં રાજકોટ ખાતે ડિવિઝનલ મેનેજર તરીકે ફરજ બજાવતા આરોપી રમેશ ભગવાનભાઈ તોલાણી (ઉ.વ.55)એ ફરિયાદી પાસેથી કોન્ટ્રકટ રીન્યુ કરવા બદલ માંગેલ રૂ.40,000ની લાંચ સ્વીકારતા ઝડપાઈ જતા રાજકોટની ખાસ અદાલતે 3 વર્ષની કેદની સજા અને રૂ.15,000નો દંડ ફટકાર્યો છે.
આરોપી બિલને પાસ કરાવવા લાંચની રકમ સ્વીકારતા ઝડપાયો ફરિયાદી અનિરુધ્ધસિંહ જાડેજાએ હડમતીયા રેલ્વે જંકશન ઉપર પાણી પુરુ પાડવાનો કોન્ટ્રાકટ રાખ્યો હતો, જે પૂરો થઈ ગયા બાદ રીન્યુ કરવા માટે તેઓએ આરોપીને અરજી આપી હતી. આ અરજી આપ્યા બાદ 5 માસ સુધી રીન્યુઅલનો હુકમ થયો ન હોવા છતા આરોપીએ ફરિયાદીને પાણી પૂરુ પાડતા રહેવાની સૂચના આપી હતી. 9 માસ સુધી આરોપીએ કોન્ટ્રાકટ રીન્યુ કર્યો ન હતો તેમ છતાં ફરિયાદીને પાણી પૂરુ પાડવાની સૂચના આપી હોવાથી ફરિયાદીએ માર્ચ 2011 સુધી પાણી પૂરુ પાડ્યું હતું, જેની સામે આ 6 માસ સુધીના પાણીનું કોઈ જ બિલ બન્યું ન હતું પરંતુ, આરોપીએ તમામ બિલો પાસ કરાવી આપવાની ખાતરી આપી હતી. ફરિયાદીએ પોતાના બિલને પાસ કરાવવા માટે આગ્રહ કરતા આરોપીએ 40,000ની લાંચની માંગણી કરતા ફરિયાદી અનિરુધ્ધસિંહ જાડેજાએ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી ટ્રેપ ગોઠવી હતી. જે દરમિયાન આરોપી પોતાની ઓફિસમાં લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.
બચાવ પક્ષે આરોપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓએ કોઈ લાંચની રકમ માંગી નથી પરંતુ, ફરિયાદીને નવા કોન્ટ્રાકટનો વર્ક ઓર્ડર આપ્યો હોવાથી ફરિયાદીએ 40,000 રાજી ખુશીથી આપ્યા છે. સરકાર તરફે સરકારી વકિલ એસ. કે.વોરાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ફરિયાદીએ આ રકમ સ્વખુશીથી આપી હતી. કેસ ચાલતા દરમિયાન આરોપી તરફે વકીલે રકમ સ્વીકારાયા હોવાનો જ ઈન્કાર કર્યો છે. આ રીતે આરોપી જયારે ટ્રેપના અંતે એક ચોક્કસ પ્રકારને બચાવ લેતા હોય ત્યારે તેમના વતી વકીલ દ્વારા લેવામાં આવેલ બચાવ વિરોધાભાસી હોવો જોઈએ નહીં. બંને બચાવ વિરોધાભાસી હોય ત્યારે પ્રોસિક્યુશનનો કેસ વધુ મજબૂત બને છે.